US Iran Conflict : વિશ્વના નકશા પર અત્યારે સૌથી ગરમ અને ખતરનાક મુદ્દો મિડલ ઈસ્ટ (Middle East) નો છે. બે કટ્ટર દુશ્મનો, અમેરિકા (America) અને ઈરાન (Iran), વચ્ચે ચાલી રહેલા ભીષણ ટકરાવમાં હવે એક અણધાર્યો વળાંક આવ્યો છે. દુનિયા જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધની (World War 3) આશંકા સેવી રહી હતી, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક શાંતિનો રાગ આલાપ્યો છે અને ઈરાન પરના હુમલાઓ હંગામી ધોરણે રોકી દીધા છે.
1500 જીંદગીઓ અને અણુ વિવાદ
રોયટર્સના (Reuters) એક વિસ્તૃત અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની કૂટનીતિક વાટાઘાટો (Diplomatic Talks) અચાનક ભાંગી પડી હતી. ત્યારથી જ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન સામે આક્રમક સૈન્ય કાર્યવાહી (Military Action) શરૂ કરી દીધી હતી. ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ (Ballistic Missile) અને પરમાણુ કાર્યક્રમને રોકવા માટે થયેલા આ ખતરનાક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મિડલ ઈસ્ટની ધરતી અત્યારે બારૂદની ગંધથી ભરેલી છે.

ટ્રમ્પનો ‘યુ-ટર્ન’ અને 5 દિવસની મહોલત
પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક મોટી અને ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે મિડલ ઈસ્ટના તણાવનો કાયમી ઉકેલ લાવવા માટે “ખૂબ જ સકારાત્મક સંવાદ” થયો છે. આ શાંતિ મંત્રણાને એક તક આપવા માટે, ટ્રમ્પે પોતાના સંરક્ષણ વિભાગને (US Defense Department) સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઈરાનના ઉર્જા મથકો (Energy Sites) અને પાવર પ્લાન્ટ્સ પર થનારા તમામ સૈન્ય હુમલાઓને (Military Strikes) આગામી પાંચ દિવસ માટે સંપૂર્ણપણે રોકી દેવામાં આવે.
ઈરાનનો વળતો પ્રહાર: “અમેરિકા ડરી ગયું”
અમેરિકા ભલે આ પગલાંને કૂટનીતિ અને શાંતિનો પ્રયાસ કહેતું હોય, પરંતુ ઈરાને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો હોર્મુઝની ખાડી (Strait of Hormuz) 48 કલાકમાં નહીં ખુલે તો ઈરાનના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી દેવાશે. જેની સામે ઈરાને પણ ગલ્ફ (Gulf) સુધીનો રસ્તો બારૂદથી ઉડાવી દેવાની ખુલ્લી ચીમકી આપી હતી. આ જ સંદર્ભમાં, કાબુલ સ્થિત ઈરાની દૂતાવાસે કટાક્ષ કરતા જણાવ્યું છે કે તેહરાનની આ કડક ચેતવણી બાદ જ અમેરિકાએ ડરીને પીછેહઠ (Retreat) કરવી પડી છે અને હુમલા રોક્યા છે.

બેન્જામિન નેતન્યાહૂ અને ઈઝરાયેલની ઊંઘ હરામ
આ સમગ્ર ઘટનાક્રમમાં જો કોઈ દેશ અત્યારે સૌથી વધુ બેચેન હોય તો તે છે ઈઝરાયેલ (Israel). ઈઝરાયેલના ત્રણ સિનિયર અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે નવી વાટાઘાટોમાં તેહરાન માટે અમેરિકાની કડક શરતો માનવી લગભગ અશક્ય છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) સ્પષ્ટ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે પોતાની અત્યાર સુધીની સૈન્ય સફળતાને કૂટનીતિક કરારમાં (Diplomatic Agreement) બદલવાના પ્રયાસો કરે, પરંતુ તેમાં ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.
નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકા માટે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવી અને સાથે-સાથે ઈઝરાયેલનો ભરોસો જાળવી રાખવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે આગામી 5 દિવસમાં મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે કે પછી આ ખામોશી કોઈ મોટા યુદ્ધ પહેલાની શાંતિ છે?
આ પણ વાંચો : Iran US Peace Talks : 22 દિવસના લોહિયાળ જંગ પર લાગી બ્રેક! ટ્રમ્પના એક નિવેદને આખી દુનિયાને ચોંકાવી

