E85 Petrol Price : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવો વચ્ચે દિલ્હીના વાહનચાલકો માટે એક ખૂબ જ રાહત જનક અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. દેશના પાટનગરમાં હવે પેટ્રોનની એક ખાસ વેરાયટી સીએનજી (CNG) કરતાં પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા દિલ્હીમાં આ વિશેષ ઈંધણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમતે ગ્રાહકોને સુખદ આંચકો આપ્યો છે.
દિલ્હીમાં હાલ સામાન્ય CNGની કિંમત પ્રતિ કિલો ₹83.09 સુધી પહોંચી ગઈ છે, જ્યારે લોન્ચિંગ સમયે આ નવા ઈંધણ (E85 પેટ્રોલ)નો ભાવ માત્ર ₹82.12 પ્રતિ લીટર નક્કી કરાયો છે. એટલે કે આ નવું પેટ્રોલ સીએનજી કરતાં પણ આશરે 97 પૈસા સસ્તું મળી રહ્યું છે.
સામાન્ય વાહનો માટે નથી આ ઈંધણ: જાણો મોટો પેંચ
જો તમે એવું વિચારી રહ્યા હોવ કે તમારી રેગ્યુલર કાર કે બાઇકમાં આ સસ્તું પેટ્રોલ ભરાવી લેશો, તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ મોટી રાહત પાછળ એક મહત્વની શરત જોડાયેલી છે:
-
E85 પેટ્રોલ શું છે? આ ખાસ ઈંધણને ‘E85’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમાં 85% સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે.
-
એન્જિનને નુકસાનની ભીતિ: જો આ પેટ્રોલ સામાન્ય ગાડીઓમાં વાપરવામાં આવે તો તેના એન્જિનને મોટું નુકસાન થઈ શકે છે.
-
કયા વાહનોમાં વપરાશે? આનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (Flex-Fuel Vehicles) માં જ થઈ શકશે, જેને ઓટોમોબાઈલ કંપનીઓ ખાસ આ જ ઈંધણ માટે તૈયાર કરી રહી છે.
-
હાલની સ્થિતિ: વાહન ઉત્પાદક કંપનીઓએ તાજેતરમાં જ આ કેટેગરીની ગાડીઓ બજારમાં મૂકવાનું શરૂ કર્યું હોવાથી, હાલમાં દિલ્હીના રોડ પર આવા વાહનોની સંખ્યા ખૂબ જ નહિવત છે.
ક્યાં મળશે આ નવું પેટ્રોલ અને કેવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર?
શરૂઆતના તબક્કામાં આ સ્પેશિયલ પેટ્રોલ દિલ્હીના 7 પસંદગીના પેટ્રોલ પંપ પર જ વેચાણ માટે ઉપલબ્ધ કરાવાયું છે. આ માટે પંપ પર તદ્દન નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે:
નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર: E85 ના વેચાણ માટે પેટ્રોલ પંપો પર અલગ સ્ટોરેજ ટેન્ક, ખાસ નોઝલ મશીન અને સ્પેશિયલ પાઇપલાઇન નાખવામાં આવી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) જેવી સરકારી કંપનીઓ જ આનો સપ્લાય કરશે, અને તેના પરિવહન માટેના ટેન્કર્સ પણ અલગ રહેશે. જેમ-જેમ માર્કેટમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો વધશે, તેમ-તેમ અન્ય પંપો પર પણ આ સુવિધા અપાશે.
અર્થતંત્ર અને ખેડૂતોને થશે મોટો ફાયદો
આ નવી પહેલ માત્ર વાહનચાલકો માટે જ નહીં, પરંતુ દેશની આર્થિક સ્થિતિ અને ગ્રામીણ ભારત માટે પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે:
-
વિદેશી હૂંડિયામણની બચત: દેશમાં જ ઇથેનોલનું ઉત્પાદન થવાને લીધે ભારતની ક્રેડ ઓઈલ (કાચા તેલ) માટે વિદેશો પરની નિર્ભરતા ઘટશે, જેથી દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બહાર જતું અટકશે.
-
ખેડૂતોની આવકમાં વધારો: ઇથેનોલ મુખ્યત્વે શેરડી, અનાજ અને અન્ય કૃષિ પાકોના કચરા (અવશેષો) માંથી બનાવવામાં આવે છે. આ ઈંધણની માંગ વધવાથી ખેડૂતોને તેમના પાકના કચરાના પણ બહુ સારા ભાવ મળશે, જે તેમની આવક વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : રસ્તા વચ્ચે ભાભીનો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા! જુઓ Viral Video

